વારાણસી માં
વારાણસી એ ઉત્તર પ્રદેશ રાજ્ય માં આવેલ એક શહેર છે. એ કાશી અને બનારસ નામો થી પણ ઓળખાય છે. કાશી એક સંપૂર્ણ વિશ્વ છે. એ એક અતિશય પ્રાચીન શહેર છે. વિશ્વ ના પ્રાચીનતમ શહેરો માં નું એક. મારા માટે તો આ પૃથ્વી પર સૌથી મહત્વ નું કોઈ સ્થાન હોય તો એ કાશી છે.
આ શહેરે હંમેશા જીવન નો તાગ મેળવવા ઈચ્છતા લોકો ને આકર્ષ્યા છે. પછી ભલે ને તેમની રીતો અલગ અલગ હોય. તેમના ધ્યેયો પણ આપણને અલગ અલગ લાગે છે. પણ ખરેખર મૂળભૂત પ્રશ્નો એક જ છે. હું કોણ છું? કોઈ વસ્તુ કેમ 'છે'? કેમ કશું પણ અસ્તિત્વ માં 'છે'? 'હોવું' એટલે શું? આ દુનિયા શું છે? કેમ છે? આ સમગ્ર બ્રહ્માંડ જેમ છે એ એમ કેમ છે?
ઘણા લોકો એમ વિચારે છે કે ભગવાને આ બધું બનાવ્યું, અને તેથી ભગવાન ને શોધે છે. અને ભક્તિ તરફ વળે છે. ઈશ્વર એ આ રહસ્યવાદ ની પેદાશ છે.
ઘણા લોકો એમ વિચારે છે હમણાં ભગવાન ની જરૂર નથી. હું જાતે જ આ કોયડા નો ઉકેલ શોધીશ. આવા લોકો તર્ક અને બુદ્ધિ નો સહારો લઇ ને મચી પડે છે. આપણાં જેવા વૈજ્ઞાનીક અભિગમ ધરાવતા લોકો આ તરફ છે. વિજ્ઞાન ટેકનોલોજી વગેરે આ અ-રહસ્યવાદ કે બુદ્ધિવાદ ની પેદાશ છે.
બંને નો ધ્યેય એક જ છે.
વળી ઘણા લોકો મેં જોયા છે, જેમને જીવન માં કશું તકલીફ નથી. તેમને માટે જીવન એ કોઈ કોયડો નથી. એમને માટે બધું સરળ છે. તેઓ જીવન વ્યવહારો માં સ-રસ રીતે ખૂંપેલા હોય છે. આવા લોકો જીવન માં વધારે સુખ અને ઓછા દુઃખ ભોગવે છે.
જેમને પ્રશ્નો છે, તેમને તકલીફો છે. અને આવા પ્રશ્નો વાળા લોકો માટે કાશી છે. કાશી ની એક વિશિષ્ટ અનુભૂતિ છે જે ઘણા લોકો એ વ્યક્ત કરી છે. તે છે, સમય થંભી જવાનો અનુભવ. કાશી માં જાણે સમય નું અસ્તિત્વ જ નથી. કાશી માં ગંગા ઘાટ પર બેઠા બેઠા તમને બધું સ્થિર અને વ્યવસ્થિત લાગે છે. લાગે છે કે સમગ્ર બ્રહ્માંડ નું સત્વ આ જગ્યા માં સમાયેલું છે. સમગ્ર વિશ્વ નો અર્ક આ અનુભૂતિ છે. કાશી માં બધું શાશ્વત લાગે છે.
કાશી માં ગંગા ઘાટે બેઠા બેઠા
ખબર નથી પડતી કે આ ગંગા વહી રહી છે ને હું સ્થિર છું કે
આ સમય સ્થિર છે અને હું વહી રહ્યો છું ?
લાગે છે આ ઘાટ ના પગથીયા મારા કરતા વધુ મુલ્યવાન અને જીવંત છે.
હું જયારે પીએચડી ની પળોજણ માંથી ત્રાસેલો અને થાકેલો, કાશી ગયો હતો. મને પહેલે થી જ ખબર હતી કે આ મહત્વની જગ્યા છે. કાશી માટે મને પહેલે થી જ આકર્ષણ હતું. મને એ માનવું ગમે છે કે પાછલા જન્મો માં હું કાશી માં કોઈ પંડિત હોઈશ અને ગંગા ઘાટ પર બેઠા બેઠા લેખન વાંચન અધ્યયન માં સમય પસાર કરતો હોઈશ.
હું કાશી માં પાંચ દિવસો રહ્યો. એ પાંચ દિવસો નો અનુભવ એ મારા જીવન નો જબરજસ્ત અનુભવ છે. આજે પણ ફરી ફરી ને મને કાશી પહોચી જવાની ઈચ્છા થાય છે અને ફરી ફરી ને એ દિવસો યાદ કરી ને એ સમય ને ફરી થી જીવવાની કોશિશ કરું છું.
હું વારાણસી જંકશન રેલ્વે સ્ટેશને ઉતર્યો. મારી સાથે બહુ સમાન નહોતો. ફક્ત એક બેગ હતી. મને થયું વારાણસી માં દશાશ્વમેધ ઘાટ પર જઈ ને આજુ બાજુ માં કોઈ હોટેલ કે ધર્મશાળા શોધી કાઢીશ. રીક્ષા વાળા ની સાથે વાત કરતા કરતા એને અંદાજ આવી ગયો કે મારે ક્યાં જવું છે તે નક્કી નથી. એટલે એ મને જુદી જુદી હોટેલ વગેરે બતાડવા લાગ્યો. મેં કહ્યું મને અહી ઉતારી દે. પણ ઉતર્યા પછી પણ તે મારી સાથે જ આવતો અને હોટેલ ના મેનેજર સાથે મારી સાથે વાત કરાવતો. જાણે હું એનો મહેમાન હોઉં એમ! સ્વાભાવિક છે રિક્ષાવાળા ને પણ ઘરાક લઇ આવવા માટે કમીશન મળતું હશે. મેં એને કહ્યું જ્યાંથી ગંગા નજીક હોય તેવી હોટેલ પર લઇ જજે. છેવટે હું એક હોટેલ માં ઉતર્યો જેથી, રિક્ષાવાળા થી છુટકારો થાય. મને થયું, અહી એક જ રાત માટે રોકાવું છે. સાંજ સુધી માં બીજી સારી જગ્યા મળે તો શોધી કાઢીશ.
હું જે હોટેલ માં રહ્યો એ શિવાલા ઘાટ ની નજીક હતી. હોટેલ ગંગા કિનારે નહોતી પણ, થોડું ચાલી ને ત્યાં પહોચી શકાતું હતું. મુસલમાન ની હોટેલ હતી. વળી તેના બારણાં પર હિબ્રુ ભાષા માં કંઈક લખેલું હતું. ત્યાં ઘણા ફોરેનર્સ પણ ઇઝરાઈલી કે આરબ હોય તેવું લાગતું હતું.
સમાન રૂમ માં મૂકી ને અને થોડો થાક ખાઈ ને હું કાશી માં રખડવા નીકળી પડ્યો. જિંદગી ની એક મહત્ત્વની ક્ષણ મારી રાહ જોઈ રહી હતી. તે ક્ષણ હતી ગંગા નદી ને જોવાની, તેના પાણી ને સ્પર્શ કરવાની. ખરેખર હું આ પહેલા જયારે આઈ આઈ ટી કાનપુર ગયો હતો ત્યારે નજીક માં બિઠુર પાસે હું ગંગા નદી ને મળી ચુક્યો હતો. પણ કાશી માં ગંગા નું દર્શન કંઈક અલગ જ છે. હું કાશી માં તદ્દન નવો અને અજાણ્યો જ હતો. અને હું માનતો કે જે પણ અનુભવો મને થાય છે તે મારા પૂર્વ કર્મો ના સીધા પરિણામ સ્વરૂપે છે. હું લોકો ને પૂછતો ગલીઓ વટાવતો નદી ની તરફ આગળ વધવા લાગ્યો. હું એક જૂની પત્થર ની હવેલી માં પ્રવેશ્યો અને થોડો આગળ વધ્યો અને એક દ્વાર માં થી બહાર આવ્યો અને જોયું તો હું એક ઘાટ પર હતો. અને હા! સામે જ ગંગા નો વિશાલ પટ! અત્યંત વિસ્તૃત, ખુલ્લો અને સ્વર્ગ ના દ્વાર સમો ગંગા નદી નો વૈભવ જોઈ ને હું સ્થિર થઇ ગયો. દૂર થી લાઉડ સ્પીકર પર વાગતા વેદ મંત્રો ને સાંભળી ને હું અવાક થઇ ગયો, મને એવું લાગ્યું કે આ સમગ્ર વાતાવરણ અને આ સમગ્ર ઘટના મારા આત્મા ની ખુબ જ નજીક છે. જાણે બ્રહ્માંડ ની વિશાળતા અને શાંતિ નું પ્રતિબિંબ આ જગ્યા માં પડી રહ્યું છે. મને એવું લાગ્યું કે હું મારા સાચા અને કાયમી ઘરે આવી ગયો છું. અત્યંત પવિત્ર અને શબ્દો માં જેને વર્ણવવું અશક્ય છે એવા અનુભવ માં થી હું પસાર થઇ રહ્યો હતો. વારાણસી માં ગંગા નદી પર દૂર દૂર સુધી ઘાટ જ ઘાટ દેખાય છે. ઘાટ એટલે પત્થરો ના પગથીયા જે છેક ઊંડે સુધી પાણી માં પણ ઉતરે છે. આ પ્રદેશ માં મળતા પત્થરો નો રંગ લાલ હોય છે. એ જ પત્થરો જેનાથી ઉત્તર ભારત ની ઘણી પ્રખ્યાત ઈમારતો બંધાયેલી છે. જેમ કે લાલ કિલ્લો , ફતેહપુર સીકરી વગેરે. મને થયું હું ભારત ના હૃદય , ભારત ના કેન્દ્ર માં પહોચી ગયો છું. કાશી માં ઘણા ઘાટ આવા જ લાલ પત્થરો થી બંધાયેલા છે. મને આ પત્થરો ની પણ ઈર્ષ્યા આવી, આ પથરા પણ કેટલા નસીબદાર છે કે જેને ખુદ ગંગા સેંકડો વર્ષો થી હળવે હળવે છાલકો મારી ને નવડાવે છે. ઘાટ પર ખુબ જ ઓછા લોકો હતા. આ ઘાટ રાજા ચેતસિંહ નો ઘાટ છે. હું જે હવેલી માં થી આવ્યો તે તેનો મહેલ હતો. આ રાજા એ વોરેન હેસ્ટઇન્ગ્ઝ નામના અંગ્રેજ ગવર્નર ના સૈનિકો સાથે અહી લડાઈ લડી હતી. હું નીચે ઉતરી ને ગંગા ના ઠંડા પાણી માં મારા પગ મૂકી ને બેઠો. મેં ખોબો ભરી ને પાણી લીધું અને એમાં મારું પ્રતિબિંબ જોયું. આ એ જ પાણી છે જેને જોતાં વેત આપણાં પૂર્વજો ભાવવિભોર બની જતા ને આ એ જ ગંગા છે જેની સ્તુતિ થી ભારત નાં શાસ્ત્રો ભર્યા પડ્યા છે. આ એ જ ગંગા છે જેને યુગો થી ભારત નું જતન કર્યું છે. જાણે મારા હાથ માં ગંગા નું પાણી નહિ પણ ઈતિહાસ નો એક ટુકડો રમાડી રહ્યો છું!