----
ગુજરાતી સમશ્લોકી અનુવાદ - ગીતાધ્વનિ માંથી - કિશોરલાલ મશરૂવાળા
----
સંજય બોલ્યા –
આમ તે રાંકભાવે ને, આંસુએ વ્યગ્ર દ્રષ્ટિથી.
શોચતા પાર્થને આવાં, વચનો માધવે કહ્યાં-…
શ્રી ભગવાન બોલ્યા –
ક્ષેત્ર એ નામથી જ્ઞાની, ઓળખે આ શરીરને,
ક્ષેત્રને જાણનારો જે, તેને ક્ષેત્રજ્ઞ તે કહે…
વળી મʼને જ ક્ષેત્રજ્ઞ, જાણજે સર્વ ક્ષેત્રમાં,
ક્ષેત્રક્ષેત્રનું જ્ઞાન, તેને હું જ્ઞાન માનું છું…
હું જ આત્મા રહ્યો સર્વે, ભૂતોનાં હ્રદયો વિષે,
આદિ, મધ્ય તથા અંત, હું જ છું ભૂતમાત્રનાં…
જન્મ્યાનું નિશ્ચયે મૃત્યુ, મૂઆનો જન્મ નિશ્ચયે,
માટે જે ન ટળે તેમાં, તને શોક ઘટે નહીં…
ન જન્મ પામે, ન કદાપિ મૃત્યુ,
ન્હોતો ન તે કે ન હશે ન પાછો.
અજન્મ, તે નિત્ય, સદા, પુરાણ,
હણ્યે શરીરે ન હણાય તે તો…
છેદાય ના, બળે ના તે, ન ભીંજાય, સુકાય ના,
સર્વવ્યાપક તે નિત્ય, સ્થિર, નિશ્ચળ, શાશ્વત…
જાણજે અવિનાશી તે, જેથી વિસ્તર્યું આ બધું,
તે અવ્યય તણો નાશ, કોઈએ ના કરી શકે…
અસત્યને ન અસ્તિત્વ, નથી નાશેય સત્યનો,
નિહાળ્યો તત્ત્વદર્શીએ, આવો સિદ્ધાંત બેઉનો…
સૂક્ષ્મતા કારણે વ્યોમ, સર્વવ્યાપી અલિપ્ત રહે,
આત્માયે તેમ સર્વત્ર, વસી દેહે અલિપ્ત રહે…
સૂર્ય તેને પ્રકાશે ના, ના ચંદ્ર, અગ્નિયે નહીં,
જ્યાં પોંʼચી ન ફરે પાછા, મારૂં તે ધામ ઉત્તમ…
કહ્યો અક્ષર, અવ્યક્ત, કહી તેને પરંગતિ,
જે પામ્યે ન ફરે ફેરા,-તે મારૂં ધામ છે પરં…
નિર્માન, નિર્મોહ, અસંગવૃત્તિ,
અધ્યાત્મનિષ્ઠા નિત, શાંતકામ.
છૂટેલ દ્વંદ્વ સુખદુઃખરૂપી,
અમૂઢ તે અવ્યય ધામ પામે…
છોડીને શાસ્ત્રનો માર્ગ, સ્વચ્છંદે વરતે નર,
તેને મળે નહિ સિદ્ધિ, ન સુખે, ન પરંગતિ…
સમાન સર્વ ભૂતોમાં, રહેલા પરમેશ્વર,
અવિનાશી વિનાશીમાં, તે દેખે તે જ દેખતો…
અનન્ય ભક્તિએ તોયે, આવી રીતે હું શક્ય છું,
તત્ત્વથી જાણવો જોવો, પ્રવેશે મુજમાં થવો…
જેવું જે જીવન સત્ત્વ, શ્રદ્ધા તેવી જ તે વિષે,
શ્રદ્ધાએ આ ઘડ્યો દેહી, જે શ્રદ્ધા તે જ તે બને…
મેળવે જ્ઞાન શ્રદ્ધાળુ, જે જિતેન્દ્રિય, તત્પર,
મેળવી જ્ઞાનને પામે, શીઘ્ર પરમ શાંતિને…
એવા અખંડયોગીને, ભજતા પ્રીતથી મʼને-
આપું તે બુદ્ધિનો યોગ, જેથી આવી મળે મʼને…
રહેલો આત્મભાવે હું, તેજસ્વી જ્ઞાનદીપથી,
કરૂણાભાવથી તેના, અજ્ઞાન-તમને હણું…
જેમનું આત્મ-અજ્ઞાન, જ્ઞાનથી નાશ પામીયું,
તેમનું સૂર્ય-શું જ્ઞાન, પ્રકાશે પરમાત્મને…
ઈંદ્રિયોને કહી સૂક્ષ્મ, સુક્ષ્મ ઈંદ્રિયથી મન,
મનથી સૂક્ષ્મ છે બુદ્ધિ, બુદ્ધિથી સૂક્ષ્મ તે રહ્યો…
એમ બુદ્ધિપરો જાણી, આપથી આપ નિગ્રહી,
દુર્જય કામરૂપી આ, વેરીનો કર નાશ તું…
જેમ ભભૂકતો અગ્નિ, કરે છે ભસ્મ કાષ્ટ સૌ,
તેમ ચેતેલ જ્ઞાનાગ્નિ, કરે છે ભસ્મ કર્મ સૌ…
જેના સર્વે સમારંભો, કામ-સંકલ્પ-હીન છે,
તે જ્ઞાનીનાં બળ્યાં કર્મો, જ્ઞાનાગ્નિથી બુધો કહે…
કામ ને ક્રોધથી મુક્ત, યતિ જે, આત્મનિગ્રહી,
રહે તે આત્મજ્ઞાનીને, બ્રહ્મનિર્વાણ પાસમાં…
ધીરે ધીરે થવું શાંત, ધૃતિને વશ બુદ્ધિથી,
આત્મામાં મનને રાખી, ચિંતવવું ન કાંઈયે…
જ્યાંથી જ્યાંથી ચળી જાય, મન ચંચળ, અસ્થિર,
ત્યાં ત્યાંથી નિયમે લાવી, આત્મામાં કરવું વશ…
વશેંદ્રિય મનોબુદ્ધિ, મુનિ મોક્ષપરાયણ,
ટાળ્યાં ઈચ્છા-ભય-ક્રોધ, તે મુનિ મુક્ત તો સદા…
યોગે થયેલ યુક્તાત્મા, સર્વત્ર સમદૃષ્ટિનો,
દેખે સૌ ભૂતમાં આત્મા, ને સૌ ભૂતોય આત્મમાં…
અનન્ય ચિત્તથી જેઓ, કરે મારી ઉપાસના,
તે નિત્યયુક્ત ભક્તોનો, યોગક્ષેમ ચલાવું હું…
તેમાં જ્ઞાની, સદાયોગી, અનન્ય ભક્ત, શ્રેષ્ઠ છે,
જ્ઞાનીને હું ઘણો વાʼલો, તેયે છે મુજને પ્રિય…
ઘણાયે જન્મને અંતે, જ્ઞાની લે શરણું મુજ,
ʼસર્વ આ બ્રહ્મʼ જાણે તે, મહાત્મા અતિ દુર્લભ…
મનની કામના સર્વે, છોડીને, આત્મમાં જ જે,
રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો…
છોડીને કામના સર્વે, ફરે જે નર નિઃસ્પૃહ,
અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત…
જેથી દુભાય ના લોકો, લોકથી જે દુભાય ના,
હર્ષ, ક્રોધ, ભય-ક્ષોભે, છૂટ્યો જે તે મʼને પ્રિય…
સમ માનાપમાને જે, સમ જે શત્રુમિત્રમાં,
સૌ કર્મારંભ છોડેલો, ગુણાતીત ગણાય તે…
આત્મામાં જ રમે જેઓ, આત્માથી તૃપ્ત જે રહે,
આત્મામાંહે જ સંતુષ્ટ, તેને કોʼ કાર્ય ના રહ્યું…
કરે કે ન કરે તેથી, તેને કોʼ હેતુ ના જગે,
કોઈયે ભૂતમાં તેને કશો, સ્વાર્થ રહ્યો નહીં…
સંતુષ્ટ જે મળે તેથી, ના દ્વંદ્વ નહીં મત્સર,
સિદ્ધિ અસિદ્ધિમાં તુલ્ય, તે ન બંધાય કર્મથી…
વસીને સર્વ ભૂતોનાં, હ્રદયે પરમેશ્વર,
માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પરે ધર્યાં…
તેને જ શરણે જા તું, સર્વભાવથી, ભારત,
તેના અનુગ્રહે લૈશ, શાંતિ ને શાશ્વત પદ…
----