Saturday, January 16, 2021

અલ્યો-ડોબો

અલ્યો-ડોબો
---
લિયો ટોલ્સ્ટોય ની ટૂંકી વાર્તા Alyosha-The-Pot નો ભાવાત્મક અનુવાદ. લખાણ ને ભારતીય પરિપ્રેક્ષ્ય ને અનુરૂપ બનાવવા માટે થોડીક છૂટછાટો લીધી છે. 
---
અલ્પેશ એનું નામ. બે ભાઈઓ માં એ નાનો ભાઈ. એક વખત એની મા એ રબારણ ને ત્યાં થી દહીં નું માટલું લેવા મોકલ્યો અને એણે ઠોકર ખાધી અને માટલું ફોડી નાખ્યું. એની મા એ એને 'અલ્યા-ડોબા' કહી ને  બરોબર નો માર્યો. બસ ત્યારથી બીજા છોકરાં એને ડોબા-ડોબા કહી ને ચીડવવા લાગ્યા અને આવી રીતે એનું નામ પડયું - અલ્યો-ડોબો. 

અલ્પેશ નું શરીર પાતળું અને એના સૂપડા જેવા કાન. અને નાક એનું મોટું. છોકરાઓ એને ચીડવતા: 'અલ્પેશ નું નાક ટામેટા જેવું છે'. ગામ માં નિશાળ હતી પણ એ ક્યારેય લખતા વાંચતા શીખી શક્યો નહીં. ખરેખર તો એને ભણવાનો સમય જ ન રહેતો. એનો મોટો ભાઈ એક વેપારી ને ઘેર શહેર માં રહેતો અને એની નોકરી કરતો; અને અલ્પેશ બાળપણ થી જ એના બાપા ની મદદ કરતો. જયારે એ છ વરસ નો હતો ત્યારે એ અને એની નાની બહેન ગાયો નું ધ્યાન રાખતા અને ઘેટાં ચરાવતા. જયારે એ થોડો મોટો થયો ત્યારે દિવસ રાત ઘોડાઓ ની રખેવાળી કરતો. બાર વરસ પહેલા તો એણે ખેતર ખેડવાનું અને ગાડું હાંકવાનું શરૂ કરી દીધું. એ શરીર થી બહુ મજબૂત નહોતો પણ એને ધગશ હતી. એ હંમેશા આનંદ માં રહેતો. જયારે બીજા છોકરા એની મજાક ઉડાવતા ત્યારે એ પણ કાં તો હસતો કાં તો ચૂપ રહેતો.  જયારે એના બાપા એને સંભળાવતા, એ ચૂપ રહેતો અને સાંભળતો. અને જેવા એમના ઘાંટા શાંત થતા, એવો જ એ ચહેરા પર સ્મિત ફરકાવી ને જે કામ કરવાનું હોય એ કરવા મંડી પડતો.

જયારે અલ્પેશ ઓગણીસ વરસ નો હતો ત્યારે એનો ભાઈ સેના માં જોડાયો. બાપા એ અલ્પેશ ને એના ભાઈ ની જગ્યા લેવા-રખેવાળ નું કામ કરવા પેલા વેપારી ત્યાં મોકલી આપ્યો. અલ્પેશ ને એના ભાઈ ના જુના જોડા, બાપા ની ટોપી અને લાંબો ડગલો આપ્યા અને શહેર માં લઇ ગયા. અલ્પેશ ને તો નવા કપડાં પહેરવાની મજા આવી ગઈ પણ વેપારી ને એનો દેખાવ ગમ્યો નહીં. 

'મને હતું કે તમે મને સંજુ નો ખરો બરોબરિયો મોકલશો', અલ્પેશ ને ધારીને જોઈને વેપારી બોલ્યો. 'પણ તમે તો મને આ લેંટાળીયો છોકરડો મોકલ્યો. એ શું કામ નો?'

'એ બધું કરી શકે છે - ઘોડા જોતરશે, જ્યાં જવું હોય ત્યાં જશે અને ભૂત ની જેમ કામ કરશે; ખાલી દેખાય છે નંખાયેલા જેવો પણ છે મજબૂત.'
'ભલે ત્યારે. જોઈશું.'
'અને સૌથી વધારે તો એ નરમ છે. કામ કરવામાં એને રસ છે.'
'ઠીક. શું થાય? રાખો એને અહીં.'

અને આમ અલ્પેશે વેપારી ને ત્યાં કામ કરવાનું શરૂ કર્યું.

વેપારી નું કુટુંબ બહુ મોટું નહોતું: એની બાઈ, એની મા, એક પાંચ ચોપડી ભણેલો પરણેલો છોકરો જે બાપા ને મદદ કરતો; એક બીજો છોકરો - મેટ્રિક ભણેલ, કોલેજ ગયેલ પણ ત્યાંથી કાઢી મુકાયા પછી ઘરે જ રહેતો; અને એક છોકરી જે હાઈસ્કૂલ માં ભણતી હતી.

શરૂઆત માં એ લોકો ને અલ્પેશ ગમ્યો નહીં - એ ગામડિયા જેવો લાગતો અને એના પહેરવા-કરવાના ઠેકાણા નહીં; કોઈ રીતભાત નહીં, અને બધા ને યાર-દોસ્તાર ની જેમ બોલાવતો; પણ પછી એમને એની આદત પડી ગઈ. એ એના ભાઈ કરતા પણ વધુ મહેનતુ હતો. એ ખરેખર નમ્ર હતો: જે પણ કામ એને સોંપાયું એ પૂરા ખંત થી અને ઝડપ થી કરતો. અને એક કામ પતાવ્યા પછી બીજું કામ જરાય પણ થોભ્યા વગર શરૂ કરી દેતો. બસ, જેમ એના ઘરે હતું એવી જ રીતે વેપારી ને ઘેર પણ, બધી જાત ના કામ નો ઢગલો એના પર નાખી દેવામાં આવતો. એ જેટલું વધારે કરે, એટલું વધારે કામ એ લોકો એને આપતા. વેપારી ની ઘરવાળી, એની મા, એની છોકરી, એનો છોકરો, દુકાન નો ગુમાસ્તો અને રસોઈયણ - બધા એને અહીં થી તહીં મોકલતા, અને કહે આ કર ને પેલું કર. બસ આખો દિવસ આ બધું જ સાંભળવા મળતું - 'અલ્યા, આ લઇ આવ.' અથવા 'ભઈલા, આ ઠીક કરી દે ને.' 'શું થયું? તું ભૂલી ગયો, અલ્પેશ?' 'ધ્યાન રાખજે, ભૂલતો નહીં, અલ્યા.' અને અલ્યાએ લાવ્યું, કર્યું, ધ્યાન રાખ્યું,ભૂલ્યો નહીં; એ બધું જ કરતો, હસતા હસતા.

જલ્દીથી એના ભાઈ ના જોડા ઘસાઈ ગયા અને વેપારી એ એને ફાટેલા, અંગુઠો બહાર દેખાય એવા જોડા માં ફરવા માટે ઠપકો આપ્યો, અને બજાર માં થી નવા જોડા ખરીદી લેવા માટે હુકમ કર્યો. અલ્પેશે નવા જોડા લીધા અને બહુ ખુશ ગઈ થયો. પણ એના પગ તો જૂના જ હતા અને, સાંજ સુધી તો એના ડંખ ને લીધે એવા દુખી ગયા કે એ જોડા ને લઇ ને ગુસ્સે થઇ ગયો. એને એ બીક હતી કે જયારે એના બાપા એનો પગાર લેવા આવશે, ત્યારે વેપારી જોડા ના પૈસા કાપી લેશે. 

શિયાળા માં અલ્પેશ અજવાળું થાય એ પહેલા ઉઠી જતો, ચૂલા ના લાકડા કાપતો, આંગણુ વાળતો, ગાય અને ઘોડાઓ ને ખવડાવતો અને એમને પાણી પીવડાવતો. પછી ચૂલો સળગાવતો, કપડાં અને જોડા સાફ કરતો, પછી ચા ની કીટલીઓ સાફ કરી ને તૈયાર કરતો. એના પછી કાં તો દુકાન નો ગુમાસ્તો એને માલ ના પોટલાં છોડવા બોલાવતો કાં તો રસોઈયણ લોટ બાંધવા બોલાવતી કે પછી તપેલાં ઘસવા. પછી તેઓ એને શહેર માં મોકલતા કાં તો કોઈ કાગળ પહોંચાડવા કાં તો છોકરી ને સ્કૂલે મૂકવા કાં તો ડોસી ના મંદિર ના દીવા નું તેલ લાવવા. 'ક્યાં જાઓ છો ભલા માણસ!' કોઈ બોલતું સંભળાશે. 'અરે, જાતે કેમ જાઓ છો? અલ્પેશ છે ને? લઇ આવશે. અલ્પેશ! અલ્યા અલ્પેશ!' અને અલ્પેશ દોડતો અને લઇ આવતો. 

એ સવાર નો નાસ્તો પણ કામ ની સાથે જ કરતો અને ભાગ્યેજ સાંજે જમવાના સમયે બધા ની સાથે હોય. રસોઈયણ મોડા પડવા બદલ એને ઠપકો આપતી, પણ એને એની દયા આવતી અને એના માટે સાંજ નું જમવાનું બચાવી ને ઢાંકી રાખતી. વાર-તહેવારો માં તો ઓર વધારે કામ રહેતું. પણ અલ્પેશ ને તહેવારો ગમતા કારણકે કોઈ ને કોઈ નાની બક્ષિશ મળી જતી. એ બહુ થોડી હતી પણ ગમે તેમ તોય એ એના પોતાના પૈસા હતા. જ્યાં સુધી એના પગાર નો સવાલ હતો, એ તો એના બાપા આવતા અને વેપારી જોડે થી લઇ જતા, અને ઉપરથી અલ્પેશ ને જોડા જલ્દી થી ઘસી કાઢવા માટે ખખડાવતા. 

જયારે એની પાસે બક્ષિશ ના બે રૂપિયા ભેગા થયા ત્યારે રસોઈયણ ના કહેવાથી એણે એક નવું લાલ સ્વેટર લીધું. જયારે એ એને પહેરતો ત્યારે એવો ખુશ થતો અને મન માં ને મન માં મલકાયા કરતો.

એ બહુ બોલતો નહીં અને જયારે બોલતો ત્યારે હંમેશા ઉતાવળે અને ટૂંકાણ માં પતાવતો. જયારે કોઈ પણ એને હુકમ કરે કે આમ કરવાનું છે, થશે કે નહીં, કરી શકીશ કે નહીં, હંમેશા જરાય ખચવાટ વગર એનો જવાબ આ જ હોય: 'ચોક્કસ, કરી નાંખીશ.' અને તરત જ એ ભાગતો અને કરી દેતો. 

એને ભગવાનને પ્રાર્થના કેવી રીતે થાય એ પણ ખબર ન હતી. જે થોડું ઘણું એની મા એ શીખવાડયું હતું એ પણ ભૂલી ગયો હતો. પણ ગમે તેમ, સવાર અને સાંજ એ મંદિર સામે ઉભો રહી જતો, હાથ જોડી ને. 

આવી રીતે દોઢ વરસ નીકળી ગયું. બીજા વરસ ના બીજા ભાગ માં એના જીવન ની એક સૌથી વિસ્મયકારી ઘટના બની. એ ઘટના આ પ્રમાણે હતી: એ પોતે અચંબા માં પડી ગયો જયારે એને ખબર પડી કે દુનિયા માં એકબીજા ની જરૂરિયાતો પર આધારિત સામાન્ય સંબંધો સિવાય બીજા પણ વિશિષ્ટ સંબંધો અસ્તિત્વ ધરાવે છે; જેમાં માણસે કોઈનું કંઈ કામ નથી કરવું પડતું, જોડા સાફ નથી કરવા પડતા, માલ લાવવો નથી પડતો, ઘોડા જોતરવા નથી પડતા પણ એમાં વ્યક્તિ જેવો છે એવો જ, બીજા કોઈ પણ વિશિષ્ટ કારણ વગર, બીજા ને જરૂરી બની શકે છે અને બીજી વ્યક્તિ ને એની ચાકરી અને કદર કરવાનું જરૂરી બની જાય છે. અને એને ખબર પડી કે એવી વ્યક્તિ બીજી કોઈ નહીં પણ એ, અલ્પેશ, પોતે જ છે. એને આ બધું ઉત્કર્ષા (ઉકલી) દ્વારા ઉજાગર થયું. ઉત્કર્ષા અનાથ, જુવાન અને અલ્પેશ જેટલી જ મહેનતુ હતી. તેને અલ્પેશ માટે દયા આવવા લાગી અને પહેલી વખત અલ્પેશ ને લાગ્યું કે એ પોતે, એનું કામ નહીં, પણ એ પોતે, એક બીજી વ્યક્તિ માટે મહત્વનો બની ગયો છે. જયારે એની મા એના પર દયા ભાવ રાખતી ત્યારે એને જણાતું પણ નહીં, એને થતું, આ તો આમ જ હોય, જેવી રીતે એને ખુદ ને એની હાલત પર દયા આવતી એમ. પણ હવે, એકાએક, એણે જોયું કે ઉત્કર્ષા, એક એકદમ અજાણી છોકરી, એના પર દયા રાખે છે. તે એના માટે ભાખરી ને દૂધ મૂકી રાખતી અને એ જયારે એ જમતો, ત્યારે એ એની હડપચી વાળેલા હાથ પર મૂકી ને એને જોયા કરતી. એ તેની સામું જોતો અને તે હસવા લાગતી, અને પછી એ પણ હસવા લાગતો. 

આ બધું એટલું નવું અને વિચિત્ર હતું કે પહેલા તો અલ્પેશ ડરી ગયો. એને થયું, આ બધું એના કામ માં અડચણ ઉભી કરે છે. છતાંયે, એ ખુશ હતો અને જયારે એ તેણીએ સાંધેલા એના લેંઘા ને જોતો, એ ખુશી માં એનું માથું ધુણાવતો અને મરકતો. ઘણી વખત ચાલુ કામે ઉત્કર્ષા ના વિચાર માં પડી જતો અને બબડતો, 'ઓ, પેલી ઉકલી!'. જયારે થાય ત્યારે, તેણી એને મદદ કરતી અને એ તેને મદદ કરતો. તેણી એ એને પોતાની આખી કરમકહાણી કહી, તે કેવી રીતે અનાથ થઇ, કેવી રીતે એની ફોઈ એને લઇ ગઈ, કેવી રીતે એને શહેર મોકલવામાં આવી, અને વેપારી ના છોકરા એ કેવી રીતે એના પર ડોળા માંડ્યા અને ફોસલાવવાનો પ્રયત્ન કર્યો પણ કેવી રીતે તેણી એ એને સીધો કર્યો. 

તે વાતોડિયણ હતી એને અલ્પેશ ને તેની વાતો સાંભળવી ગમતી. એણે શહેર ના કિસ્સા સાંભળ્યા હતા. કેવી રીતે બાંધેલા નોકરો આવતા અને રસોઈયણો જોડે લગ્ન કરી લેતા. તેણી એ એક વખત એને પૂછી પણ લીધું કે એના લગ્ન જલ્દી થઇ જવાના છે કે શું. એણે કીધું કે એને ખબર નથી અને એને ગામડા ની છોકરી પસંદ નથી.
'તો પછી કોઈ પસંદ પડી કે નહીં?' તેણે પૂછ્યું. 
'મને તો તું પસંદ છે.' એણે કહ્યું. 'તું મને મળીશ કે નહીં?'
'ઓ, ડોબાલાલ, તમે પણ કેવી લુચ્ચાઈ થી વાત કરી દીધી!' એમ કહી ને તેનો રૂમાલ એની પાછળ ઝાટકવા લાગી. 'હા, કેમ નહીં મળું?'

મહિને-દાડે એના બાપા એનો પગાર લેવા શહેર માં આવ્યા. વેપારી ની ઘરવાળી ને ખબર પડી ગઈ હતી કે અલ્પેશ ના મગજ માં ઉકલી ના નામ નું ભુસુ ભરાયું છે અને એને એ જરા પણ ઠીક ના લાગ્યું. 'કાલે ઉઠી ને છોકરાં થશે, પછી છોકરાં ને સાચવશે કે કામ કરશે?' એણે એના પતિ ને કહ્યું.

વેપારી એ અલ્પેશ ના બાપા ને પૈસા આપ્યા. 

'તો પછી, કેવું કામ કરે છે મારો છોકરો?' ગામડિયા એ પૂછ્યું. 'મેં કહ્યું'તું ને કે એ નરમ ઘેંસ જેવો છે.'

'હા એ ભલે હોય, પણ એણે એક મૂરખ જેવો વિચાર કર્યો છે,' વેપારી બોલ્યો. 'એના મગજ માં અમારી રસોઈયણ ના નામ નું ભુસુ ભરાયું છે અને એને એની જોડે લગ્ન કરવા છે. હું પરણેલા નોકરો રાખતો નથી. એ અમને નહીં ફાવે.'

'ઓહ, એમ વાત છે. બહુ ડાહ્યો. શું તુક્કો લગાવ્યો છે!,' બાપો બોલ્યો. 'ચિંતા ના કરો, હું એને આખી વાત જ પડતી મુકવાનું કહીશ.'

રસોડા માં આવ્યા પછી બાપા ટેબલે બેઠા અને પોતાના દીકરા ની રાહ જોવા લાગ્યા. અલ્પેશ બહુ કામ માં હતો અને ભાગતો દોડતો હાંફતો આવ્યો. 

'મને એમ હતું કે તારા માં બુદ્ધિ છે,' બાપા બોલ્યા. 'આ શું સાંભળું છું હું?'
'ખબર નહીં.'
'"ખબર નહીં" એટલે શું? તે પૈણવા નું નક્કી કરી લીધું! હું તને જયારે વખત થશે ત્યારે પૈણાવીશ, અને મારી પસંદ કરેલી છોડી જોડે, કોઈ શહેરી ચબુતરી જોડે નહીં.'

બાપા બહુ બોલ્યા એને. અલ્પેશ ત્યાં જ ઉભો રહ્યો અને એક નિસાસો એના માં થી નીકળી ગયો. જયારે એ બંધ થયા, અલ્પેશ મલક્યો. 

'ઠીક ત્યારે. હું છોડી દઈશ.'
'હં, એ જ સારું છે.'

જયારે બાપા ગયા અને અલ્પેશ ઉત્કર્ષા જોડે એકલો પડયો, એણે કહ્યું (તે આખો વખત બારણાં ની પાછળ ઉભી હતી અને તેણે બાપા ની દીકરા સાથે ની વાત સાંભળી લીધી હતી):

'આ આપણા માટે બહુ સારું નથી. મેળ નહીં પડે. સાંભળે છે? એ બહુ ગરમ થયા છે અને થવા નહીં દે.'
અને તે સાડી ના છેડા માં રડી પડી. 
અલ્પેશે એની જીભ ડચકારી. 
'પણ મારે એમનું કહ્યું કરવું જ પડશે. એવું લાગે છે આપણે આ વાત મૂકી દેવી પડશે.'
સાંજે જયારે વેપારી ની બાઈ એ એને દુકાન બંધ કરવા માટે બોલાવ્યો ત્યારે બોલી:
'એ, તે સાંભળ્યું તારા બાપા એ શું કહ્યું? તે એ મૂરખ જેવો વિચાર માંડી વાળ્યો કે નહીં?'
'હા.' અલ્પેશે કહ્યું, અને હસવા માંડયો, અને પછી તરત રડવા લાગ્યો. 

બસ તે દિવસ થી અલ્પેશે ઉત્કર્ષા જોડે લગ્ન ની વાત ઉથાપી નહીં અને પહેલા ની જેમ જિંદગી જીવવા લાગ્યો. 

એક દિવસ દુકાન ના ગુમાસ્તા એ એને છાપરા પર નળિયાં ઠીક કરવા મોકલ્યો. એ સીડી પર ચડયો, અને નળિયાં પર કામ કરતો હતો ને એકદમ એનો પગ સરક્યો અને એ એના ઓજારો સાથે નીચે પડયો. સીધો જમીન પર પડવાના બદલે બાજુ ની લોખંડ ની ઝાંપલી પર ટકરાયો અને પડયો. ઉત્કર્ષા વેપારી ની છોકરી સાથે દોડતી આવી. 
'બહુ વાગ્યું છે, અલ્પેશ?' એણે પૂછ્યું.
'વાગ્યું? ના ના, કંઈ નથી.'

એણે ઉભા થવા નો પ્રયત્ન કર્યો પણ થઇ ના શક્યો અને હસવા લાગ્યો. એ લોકો એને ઉંચકી ને તબેલા ના ઓરડા માં લઇ ગયા. દાક્તર નો સહાયક આવ્યો. એણે એને તપાસ્યો અને પૂછ્યું ક્યાં દુખે છે.

'બધે દુખે છે.' એણે કહ્યું. 'પણ કંઈ નથી. રહેવા દો. માલિક ગુસ્સે થશે. આપણે બાપા ને ખબર આપવી પડશે.'

અલ્પેશ બે દિવસ અને બે રાત ત્યાં પડી રહ્યો, અને ત્રીજા દિવસે એણે મંદિર માં થી મહારાજ ને બોલાવ્યા. 

'ઓહ, તું ખરેખર મરી જઈશ?' ઉત્કર્ષા બોલી. 
'એમાં શું?' અલ્પેશ હંમેશ ની જેમ ઉતાવળ માં બોલ્યો. 'તને એવું લાગે છે આપણે કાયમ જીવવાના છીએ? ક્યારેક ને ક્યારેક તો ઉપર જવાનું જ છે. મારા પર દયા રાખવા બદલ તારો આભાર. જોયું? સારું જ થયું આપણે લગ્ન ના કર્યા, નહીં તો એનો કોઈ મતલબ ના રહેત. હવે, બધું બરોબર જ લાગે છે.'

એણે મહારાજ સાથે હાથ જોડી ને હૃદય થી ભગવાન ની પ્રાર્થના કરી. એને અંતર માં થયું, જેમ અહીં બધા ની આજ્ઞા નું પાલન કર્યું અને કોઈ ને ના દુભવ્યા તો બધું સારું થયું, તેમ ત્યાં પણ સારું જ થશે.

એ બહુ બોલ્યો નહીં. બસ થોડું પાણી પીવા માગ્યું અને એને એના માં એક વિસ્મય નો પ્રાદુર્ભાવ થતો લાગ્યો. 

એકદમ એની આંખો અચરજ થી ભરાઈ ગઈ, પગ પ્રસરી ગયા અને મરી ગયો.