Thursday, November 26, 2015

અમેરિકા માં પ્રથમ પગ


તકદીરે  મને ભારત ના બેંગલોર થી ઊંચકીને સીધો અમેરિકા ના પશ્ચિમ છેડે સાન ફ્રાંસિસ્કો માં મૂકી દીધો. મારી નોંધારી પડેલી બેગો ને લઇ ને હું એરપોર્ટ ની બહાર આવ્યો અને રોડ ની ધારે ઉભો  રહ્યો. 

વરસાદી જાન્યુઆરી મહિનો હતો અને  વાદળછાયા વાતાવરણ માં ભૂરા રાખોડી રંગ નું  પ્રભુત્વ.  સુસવાટા મારતો પવન અને ચારે બાજુ પ્રવર્તતી શાંત ઠંડક. કોન્ક્રીટ ના થાંભલા  પર ઊંચકાયેલા વલયાકાર રસ્તાઓ અને એના પર દોડતી  કારો. ઘણા સમય પછી કારો ને દોડતી જોવા મળી, કહો કે એનું નિરીક્ષણ કરવાનો મોકો મળ્યો. છેલ્લે, દસેક વર્ષ પહેલા મુંબઈ ના મરીન ડ્રાઈવ પર રાતે બે વાગે ખરેખર કારો ને  દોડતી જોઈ હતી.

મેં એરપોર્ટ પર થી સિલિકોન વેલી જવા માટે શટલ ટેક્ષી કરી. આપણે અમદાવાદ ના કાલુપુર સ્ટેશને ઉતરીને બાપુનગર જવા માટે શટલિયા રીક્ષા કરીએ એવું જ છે. જો કે ઘણું અલગ પણ છે. કાલુપુર ની શટલ રીક્ષા માં પાછલી સીટ માં બીજા બે-ત્રણ પેસેન્જર સાથે સાંકડમાંકડ જગ્યા માં માંડ શ્વાસ લેતા હોઈએ ત્યાં બાજુ માંથી સ્ટાર્ટ થતા ખટારા ની નોઝલ માં થી નીકળતો અર્ધબળેલા અશુદ્ધ ડીઝલ નો ધુમાડો અને મેશ તમને 'ભલે પધાર્યા' કરે છે.  જયારે અહી  તમારી કાર ફ્રી વે (હાઈ વે) પર મર્જ થાય ત્યારે જાણે એક રક્તકણ અમેરિકા ની ધમની માં ઉમેરાય છે અને તમે એમાં વહેતા રક્ત ના ધક્કા નો અનુભવ કરો છો અને તેમાં ભળી જાઓ છો.

અહી ફ્રી વે પર દૂર દૂર સુધી ફક્ત સડસડાટ વહી જતો કાર પ્રવાહ જ દેખાય છે. રસ્તો જયારે વળાંક લે કે પછી ઉતરતા ઢાળ પર હોય ત્યારે સામે દસ-બાર લેન માં 120-140 ની ઝડપે લહેરાતી કારો ના ઝૂમખાં જોવા જેવો આનંદ બીજો કોઈ નથી.

ફ્રી વે પર બીજો કોઈ કચરો નહિ. ના કોઈ રીક્ષા , ના કોઈ ધુમાડો ઓકતો ખટારો , કે ના કોઈ 2 વ્હીલરીયા. રોડ ના કિનારા ચોક્ખા છે; કોઈ ભેગી થયેલી ધૂળ કે રેતી નહિ. કોઈ રખડતા લોકો નહિ કે  નહિ ડિવાઈડર પર પડેલો બેભાન ભિખારી.

તમે રબર ના ટાયર રોડ ના આસ્ફાલ્ટ પર દોડે ત્યારે થતો અવાજ સાંભળ્યો છે? એ અવાજ સંભાળવા માટે પણ વાતાવરણ માં બીજો બધો ઘોંઘાટ ઓછો હોવો જોઈએ. એ અવાજ પણ એક ઘોંઘાટ જ છે પણ ચોક્કસ મને તો એ પ્રગતિ નું સંગીત જ લાગે છે.

No comments:

Post a Comment