Saturday, July 28, 2018

હું કોણ છું?

ભગવાન શ્રી રમણ મહર્ષિ ની પ્રસિદ્ધ પુસ્તિકા Who Am I? (મૂળ તમિલ પુસ્તક - નાન યાર) નો ભાવાત્મક અનુવાદ.

હું કોણ છું?

બધી જીવંત વસ્તુઓ ને હંમેશા ખુશ રહેવાની અને દુઃખ થી દૂર રહેવાની ઈચ્છા હોય છે. બધામાં પોતાની જાત પ્રત્યે સર્વોચ્ચ પ્રેમ હોય છે. અને આ જે ખુશી છે એ જ આ સ્વ-પ્રેમ નું કારણ છે. તેથી આ આનંદ, જે દરેક નો મૂળ સ્વભાવ છે, અને જે ઊંડી ઊંઘ માં, જયારે કોઈ મન કે વિચાર હોતાં નથી, ત્યારે અનુભવાય છે, તે પ્રાપ્ત કરવા માટે પોતે સ્વ ને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ માટે નો મુખ્ય રસ્તો, પોતાની જાત ને   "હું કોણ છું", પ્રશ્ન કરવો, એ છે.

1.  હું કોણ છું?

આ ભૌતિક શરીર, જે સાત ધાતુ ઓ નું બનેલું છે -- હું એ નથી.
આ પાંચ ઇન્દ્રિયો (શબ્દ, સ્પર્શ, દૃષ્ટિ, સ્વાદ, ગંધ) અને તે દરેક ની સંલગ્ન ભૌતિક વસ્તુઓ અને ક્રિયાઓ -- હું આ નથી.
હું પાંચ પ્રકાર ના પ્રાણ,  જેવા કે શ્વાસ, ઉચ્છવાસ, એ પણ નથી.
હું આ મન પણ નથી, જે વિચારે છે.
અને હું અચેતન મન પણ નથી, જેમાં ધ્યાન બહાર રહેલા પદાર્થો અને અને અનુભવો ની છાપ સંગ્રહિત થાય છે.

2. જો હું આ કશું ના હોઉં, તો હું કોણ છું?

ઉપર ની બધી વસ્તુઓ ને, 'આ નથી', 'આ નથી',  એમ નકાર્યા પછી, બાકી માં, જે જાગૃતિ માત્ર રહે છે -- એ હું છું.

3. આ જાગૃતિ નું સ્વરૂપ શું છે?

આ જાગૃતિ અસ્તિત્વ-ચેતન-આનંદ સ્વરૂપી છે. (સત-ચિત-આનંદ)

4. ક્યારે સ્વ ને પામી શકાશે? (ક્યારે આત્મ-સાક્ષાત્કાર થશે?)

જયારે આ દુનિયા, જેવી એ દેખાય છે, એ ખસસે, દૂર થશે, ત્યારે સ્વ નું ભાન થશે, જે આ જોનાર છે.

5. આ દુનિયા જેવી દેખાય છે એવી સાચી લાગે, તો સ્વ-સાક્ષાત્કાર નહીં થાય?

નહીં થાય.

6. કેમ?

જોનાર અને દેખાતી વસ્તુ, એ દોરડું અને સાપ જેવા છે. ત્યાં સુધી દોરડા ના અસ્તિત્વ (આધારભૂત સત્ય) નું ભાન નહીં થાય, જ્યાં સુધી ખોટા સાપ ની ભ્રમણા દૂર નહીં થાય. એવી જ રીતે,  જ્યાં સુધી આ દુનિયા, જેવી દેખાય છે એ ખરી છે, એ ભ્રમણા દૂર નહીં થાય, ત્યાં સુધી જે જોનાર છે, જે આધાર છે, એનું ભાન નહીં થાય.

7. ક્યારે દુનિયા જેવી દેખાય છે એ દૂર થશે?

જયારે મન, જે બઘી અનુભૂતિઓ અને કર્મો નું કારણ છે, એ નિષ્ક્રિય થશે ત્યારે દુનિયા જેવી દેખાય છે - એ બંધ થશે.

8.  મન નું સ્વરૂપ શું છે?

જેને મન કહે છે એ સ્વ માં રહેલી અદ્ભૂત  શક્તિ છે. મન થી બધા વિચારો ઉત્પન્ન થાય છે. વિચારો થી અલગ, મન નથી. તેથી વિચાર એ મન નું સ્વરૂપ છે. અને વિચારો સિવાય, દુનિયા નું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. ઊંડી ઊંઘ માં જયારે વિચારો નથી હોતા, ત્યારે દુનિયા નથી હોતી. જાગ્રત અને સ્વપ્ન અવસ્થા માં વિચારો હોય છે અને દુનિયા પણ હોય છે. જે  રીતે કરોળિયો જાળા  નો તાર, પોતાના માંથી જ બહાર કાઢે છે અને પોતાનામાં જ સંકેલે છે, એવી રીતે મન વિશ્વ ને પોતાની બહાર પ્રક્ષેપિત કરે છે અને પોતાના માં જ સમાવી લે છે. જયારે મન સ્વ ની બહાર હોય છે ત્યારે વિશ્વ દેખાય/ઉભું થાય છે. તેથી જયારે વિશ્વ દેખાય છે (સાચું લાગે છે), ત્યારે સ્વ દેખાતું નથી. અને જયારે સ્વ દેખાય છે (ઝળકે છે) ત્યારે વિશ્વ દેખાતું નથી.જયારે કોઈ લગાતાર મન ના સ્વરૂપ વિષે અંતઃપૃચ્છા કરે છે, ત્યારે મન સ્વ ની બહાર આવવાનું બંધ કરે છે. આ જેને સ્વ કહીએ છીએ એ આત્મા જ છે. મન હંમેશા કોઈ ભૌતિક વસ્તુ પર અવલંબે છે. એ સ્વતંત્ર એકલું રહી ના શકે. આ મન ને જ સૂક્ષ્મ શરીર (જીવ) કહે છે.

9. મન ના સ્વરૂપ ને સમજવા માટે અંતઃપૃચ્છા નો માર્ગ શું છે?

જે આ શરીર માં 'હું' તરીકે ઉભું થાય છે, એ મન છે. જો કોઈ તપાસ કરશે કે, આ 'હું' શરીર માં ક્યાં થી આવે છે,  તો ખબર પડશે કે એ હૃદય માં ઉભો થાય છે. એ એનું ઉદ્દગમસ્થાન છે. જો કોઈ સતત 'હું-હું' વિચાર્યા કરે તો પણ, એ જ સ્થાન તરફ દોરાશે. મન માં જે વિચારો ઉદ્ભવે છે એમાં 'હું'-વિચાર સૌથી પહેલો છે. એ ઉદ્ભવ્યા પછી જ બીજા વિચારો ઉત્પન્ન થાય છે. હું પછી જ, તું અને તેઓ ઉદ્ભવે છે. પ્રથમ વ્યક્તિગત સર્વનામ વગર દ્વિતીય અને તૃતીય સર્વનામ નથી.

10. મન કેવી રીતે નિષ્ક્રિય થશે?

'હું કોણ છું?', એમ પૂછવાથી. જે રીતે ચિતા ને સળગાવવા અને સરખી કરવા માટે ની લાકડી પણ અંત માં બળી ને ખાખ થઇ જાય છે, એ રીતે, 'હું કોણ છું?' વિચાર, એ બીજા બધા વિચારો નો અંત કરી ને, પોતે પણ અંત પામશે. પછી, સ્વ-સાક્ષાત્કાર થશે.

11. કેવી રીતે 'હું કોણ છું?' એ વિચાર ને પકડી રાખી શકાય?

જયારે વિચારો આવે, ત્યારે એના મય થવાના બદલે એવું પૂછવું જોઈએ: 'આ વિચાર કોને આવ્યો?'. ભલે ગમે તેટલા વિચારો આવે, દરેક વખતે, જેવો વિચાર ઉદ્ભવે તેવો જ આ પ્રશ્ન પૂછો: 'કોને આ વિચાર ઉદ્ભવ્યો?'. અંદર થી જવાબ આવશે, 'મને'. હવે પૂછો: 'હું કોણ છું?', મન એના મૂળ (સ્વ) તરફ દોરાશે અને જે વિચાર આવ્યો તે નિષ્ક્રિય થઇ જશે. આવી રીતે વારંવાર ના અભ્યાસ થી, મન એના મૂળ માં જ રહેવાની કુશળતા પ્રાપ્ત કરી લેશે. જયારે મન, જે સૂક્ષ્મ છે, મગજ અને ઇન્દ્રિયો માં થી બહાર આવે છે (પસાર થાય છે), સ્થૂળ અને ભૌતિક વસ્તુઓ અને સ્વરૂપો ઉભા થાય છે.  જયારે તે હૃદય માં રહે છે, ત્યારે ભૌતિક નામ સ્વરૂપો અદ્રશ્ય થઇ જાય છે. મન ને હૃદય માં જ રાખવું અને તેને બહાર ના જવા દેવું, એને અંતર્મુખતા કહે છે. મન ને હૃદય ની બહાર જવા દેવું, એને બહિર્મુખતા કહે છે. આવી રીતે, જયારે મન જયારે હૃદય માં રહે છે, ત્યારે 'હું'-વિચાર, જે બધા વિચારો નું મૂળ છે એ જતો રહેશે અને સ્વ, જેનું કાયમી અસ્તિત્વ છે, એ ઝળકશે. કોઈ ગમે તે કાર્ય કરે, એ  અહ્મભાવ વગર કરવું જોઈએ. એ રીતે, બધું શિવ (ભગવાન) સ્વરૂપ  લાગશે.

12.  મન ને નિષ્ક્રિય કરવાના બીજા કોઈ ઉપાય નથી?

અંત:પૃચ્છા સિવાય, બીજા કોઈ ઉપાયો પૂરતા નથી.  બીજી કોઈ રીતે મન ને વશ કરવામાં આવે તો મન વશ થઇ ગયેલું લાગશે, પણ પછી એ ફરી થી છૂટી જશે. શ્વાસ નિયમન (પ્રાણાયામ) થી પણ મન શાંત થશે. પણ એ શાંત ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી શ્વાસ નું નિયમન રહેશે. પછી જયારે શ્વાસ ફરી શરુ થશે, ત્યારે મન ફરી થી પહેલા ની સ્મૃતિ અને છાપો માં ભટકવા લાગશે. મન અને શ્વાસ બંને નું ઉદ્દગમ એક જ છે. વિચાર, ખરેખર મન નું સ્વરૂપ છે. 'હું'-વિચાર આ મન નો પ્રથમ વિચાર છે, અને તે અહ્મ છે. જ્યાંથી અહ્મ ઉદ્ભવે છે ત્યાં થી જ શ્વાસ ઉદ્ભવે છે.  તેથી, જયારે મન નિષ્ક્રિય થાય છે ત્યારે, શ્વાસ નું નિયમન થાય છે, અને જયારે શ્વાસ નું નિયમન કરો ત્યારે મન નિષ્ક્રિય થાય છે. પણ ઊંડી ઊંઘ માં જયારે મન નિષ્ક્રિય હોય છે, ત્યારે પણ શ્વાસ થંભતો નથી. આ ભગવાન ની ઈચ્છા છે, જેથી શરીર જીવતું રહે અને બીજા લોકો ને એમ ના લાગે કે એ મરી ગયું છે. જાગતાં અને સમાધિ માં જયારે મન નિષ્ક્રિય થાય છે, ત્યારે શ્વાસ નું નિયમન થાય છે. શ્વાસ એ મન નું સ્થૂળ સ્વરૂપ છે. મૃત્યુ ના સમય સુધી મન શ્વાસ ને શરીર માં રાખે/ચલાવે છે, અને જયારે શરીર મૃત્યુ પામે છે, ત્યારે મન એની સાથે શ્વાસ ને પણ લઇ જાય છે. તેથી, શ્વાસ સંયમ ની ક્રિયા એ મન ને સંયમિત (મનોનિગ્રહ) કરવા માટે ઉપયોગી છે પણ એ મન નો નાશ નહીં કરે.

 શ્વાસ નિયમન (પ્રાણાયામ) ની જેમ, ઈશ્વર ના વિવિધ રૂપો નું ધ્યાન કરવું, મંત્ર જાપ, ઉપવાસ વગેરે ફક્ત મન પર સંયમ લાવવા માટે અને એને નિષ્ક્રિયતા તરફ દોરી જવા ના ઉપાયો છે.

ઈશ્વર ના સ્વરૂપો ના ધ્યાન અને મંત્રજાપ થી, મન એકાગ્ર (એકદિશ) બને છે. મન નો સ્વભાવ હંમેશા ભટકતા રહેવાનો છે. પણ જેવી રીતે હાથી ની સૂંઢ ને સાંકળ પકડવા આપ્યા પછી, એ એમાં જ પરોવાયેલો રહેશે અને બીજું કઈ નહિ પકડે, એ રીતે જયારે મન ફક્ત એક નામ, કે વિચાર પર વ્યસ્ત હશે તો એ એને જ પકડશે.  જયારે મન બહુ બધા વિચારો માં ચડી ને ફૂલે છે, ત્યારે દરેક વિચાર નબળો પડી જાય છે. પણ જો બહુ વિચારો શમે અને એકદિશ બને તો મન પણ એકાગ્ર અને મજબૂત બને છે. આવા મજબૂત મન માટે અંત:પૃચ્છા અને આત્મ-વિચાર સહેલા છે. બધા સંયમ ને લગતા નિયમો માં, જરૂરી માત્રા માં સાત્વિક આહાર નો નિયમ ઉત્તમ છે. આ નિયમ નું પાલન કરવાથી, મન ની સાત્વિકતા વધશે અને તે અંત:પૃચ્છા માં મદદરૂપ થશે.

13. ભૌતિક વિચારો અને સ્મૃતિઓ જાણે સમુદ્ર ના મોજા ની જેમ અનંત લાગે છે. ક્યારે એ બધા નાશ પામશે?

જેમ જેમ, સ્વ પર ધ્યાન આગળ અને આગળ વધશે, એમ એમ વિચારો નાશ પામશે.







No comments:

Post a Comment