વારાણસી માં ગંગા પર લગભગ એંશી જેટલા ઘાટ આવેલા છે. દક્ષિણ માં અસી ઘાટ થી શરુ થઇ ઉત્તર માં રાજઘાટ સુધી લગભગ ૬-૭ કિલોમીટર લાંબો ગંગા નો કિનારો છે. ઉત્તર માં હિમાલય થી ગંગા ગબડતી ગબડતી નીચે દક્ષિણ માં કલકત્તા પાસે બંગાળ ની ખાડી ને મળે છે, પરંતુ વારાણસી પાસે ગંગા ઉત્તર વાહિની બને છે. એક સુંદર વળાંક લઇ ને ગંગા પોતાના ઉદ્ગમ શિવ ની પાસે જવા મથતી હોય એવું લાગે છે. ખરેખર લોકો એમ કહે છે કે શિવ નું આ નગર જોવા ગંગા પોતાની સ્વાભાવિક દિશા થી વિરુદ્ધ થઇ ઉત્તર તરફ વહે છે. બીજી એક વાત એ છે કે આખું કાશી ગંગા નાં પશ્ચિમ કિનારે વસેલું છે. પૂર્વ કિનારો ખાલી છે. લાંબો પહોળો એક રેતાળ પટ છે પૂર્વ કિનારો. એની પાછળ જંગલો છે ને કોઈ વસ્તી દેખાતી નથી. આશ્ચર્ય ની વાત છે કે આ શહેર દુનિયા નું સૌથી જુનું અને સળંગ વસવાટ ધરાવતું શહેર હોવા છતાં તેનું વિસ્તરણ ક્યારેય ગંગા નાં બીજા કિનારે નથી થયું. વારાણસી એ ગંગા ને ક્યારેય ઓળંગી નથી. કાશી ગંગા થી સીમિત છે. અને જયારે કાશી માં ગંગા પર ઉભા ઉભા સામે નજર કરી એ તો એવું લાગે છે આ દુનિયા નો છેડો આવી ગયો છે. અને એ જ પૂર્વ દિશા માં થી સવારે જયારે સૂર્ય ઉગે છે ત્યારે અદ્ભુત દ્રશ્ય રચાય છે. હલકી ઠંડી માં વહેલી સવારે કાશી નાં મંદિરો ની પશ્ચાદભૂ માં સૂર્ય નાં તેજ થી ઝળાહળા થતી સોનેરી ગંગા માં સ્નાન કરવું એ કદાચ આર્ય સંસ્કૃતિ નો પ્રથમ પ્રસંગ છે. માનવસંસ્કૃતિ ના આ દ્રશ્ય ની ભવ્યતા, જ્યાં ઈશ્વર ને છૂટો દોર મળે છે એવા જંગલો, પહાડો, સમુદ્રો, વન્ય જીવ સૃષ્ટિ નાં કોઈ પણ દ્રશ્ય ને ટક્કર મારે એવી છે. ખરેખર ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાને સાચું જ કહ્યું છે
"जन्नत भी भरे पानी मेरे काशी के सामने"
ચેતસિંહ ઘાટ થી નીકળી ચાલતો ચાલતો હું મણિકર્ણિકા ઘાટ પર આવી પહોચ્યો. આ સ્મશાનઘાટ છે. ગંગા પર નાં આ ખુલ્લા સ્મશાન ની ગાથા ઓ પુરાણો માં ગવાઈ છે. કહેવાય છે મણિકર્ણિકા ની ચિતા ઓ સેંકડો વર્ષો થી ઠંડી નથી પડી. અહી નું વાતાવરણ અદ્ભુત છે. અહી નાં આજુબાજુ લાકડા નાં મોટા થપ્પા છે. અહી સમગ્ર ભારત માં થી લોકો ને અંતિમ સંસ્કાર આપવા માટે લાવવામાં આવે છે. કાશી નું મરણ વખણાય છે. આ એજ મણિકર્ણિકા ઘાટ છે જ્યાં કહે છે ભગવાન શંકર ખુદ મડદા નાં કાન માં તારક મંત્ર ફૂંકે છે. ચિતા ઓ માં થી ઉંચે ચડતી રાખ થી વર્ષો થી ખરડાતા રહેલા આજુ બાજુ નાં મકાનો કાળા થઇ ગયા છે. અહી બધી વસ્તુ કાળ નાં મુખ માં ગરકાવ થઇ જાય છે. અહી આવતા ગોરા વિદેશીઓ ખુબ ગંભીર અને સ્થિર થઇ જાય છે. મૃત્યુ અને વિઘટન નો અહી એમને ખુબ નજીક થી અનુભવ થાય છે. રાતે ગંગા પર હોડી માંથી મણિકર્ણિકા નું દ્રશ્ય કોઈ ને સુંદર તો કોઈ ને બિહામણું લાગે છે. સેંકડો લોકો પોતાના સ્વજન ની અંતિમ વિદાય ને જોતાં આ ઘાટ નાં પગથીયા પર બેઠા બેઠા કંઈક વિચારતા હોય છે. કાયમ બેઠેલા લોકો નાં વજન નાં કારણે આ ઘાટ નાં પગથીયા નીચે તરફ નમી ગયા છે. જાણે આ પગથીયા પોતે અહી આવનારા ને નીચે ચિતા તરફ સરકાવી દેશે. આ ઘાટ પર કલાકો સુધી બેઠો બેઠો હું જીવન ને મૃત્યુ પર વિચાર કરતો રહ્યો. શરીરો ને સળગતા, ધુમાડો બનતા ને એ ધુમાડા ને આકાશમાં ઉંચે ચડતા જોતો રહ્યો. અહી બેઠા બેઠા ધ્યાન લાગી જાય એવી સ્થિતિ છે. ઘાટ ની આજુબાજુ ની ગલી ઓ માં થી અવિરત નવા મૃતદેહો નો પ્રવાહ ચાલુ હોય છે. આ જગ્યા ચોવીસ કલાક ધમધમે છે. અહી સાંકડી ગલી માં લાકડા ની પાટલી પર બેસી ને માટી નાં કોડિયા માં ચા પીવા ની મજા કંઈક ઓર જ છે. અહી બધું જ જુનું છે. રસ્તા, લોકો, મકાનો , મંદિરો વગેરે બધું જ જર્જરિત અવસ્થા માં છે. પણ આ આખા વાતાવરણ માં એક અદ્ભુત વ્યવસ્થા લાગે છે. અહી એવું લાગે છે બધું બરોબર થાય છે. અહી કોઈ વિરોધાભાસ નથી. કાશી માં આવી ને દુનિયા પર વિશ્વાસ બેસે છે.
No comments:
Post a Comment