વારાણસી માં (ભાગ ૪)
-------------------------
કાશી માં પ્રથમ દિવસે ગંગા માં હું ફક્ત છબછબીયા કરી ને પાછો આવ્યો. મારી પાસે પાકીટ, ઘડિયાળ વગેરે હતા અને હું એકલો જ હતો એટલે કોને ભરોસે મુકવું એ સવાલ હતો. બીજા દિવસે હું વહેલી સવારે હોટલ પર જ બધું મૂકી ગંગા સ્નાન માટે નીકળી પડ્યો. નવેમ્બર શરુ થઇ ગયો હતો અને કાશી માં ઘણી ઠંડી હતી. હું હોટલ ની બહાર નીકળ્યો અને શિવાલા ઘાટ તરફ જવા માટે સવાર ના ઝાંખા પ્રકાશ માં એક ગલી માં ચાલવા લાગ્યો. હવે જે બન્યું તે દ્રશ્ય મને સંપૂર્ણપણે યાદ હોય, જેમાં હું પૂર્ણ રીતે 'હાજર' હોઉં એવા જિંદગી નાં જુજ દ્રશ્યો માં નું એક છે. મને એકદમ એવું લાગ્યું કે મારી આજુ બાજુ નું સમગ્ર વાતાવરણ સ્થિર થઇ ગયું છે. સમય જાણે થંભી ગયો છે. જાણે આ ક્ષણ યુગો પસાર કરી ને મારી સમક્ષ આવી રહી છે. ખરબચડા પથરા થી બનેલો રસ્તો, બાજુ માં એક બકરી ઉભી હતી તેનું મોં, થોડા પોદળા પડેલા નીચે તે, ઢોરો ને ખાવા માટે નાં ઘાસ નાં વેરાયેલા તણખલા, બાજુ માં આવેલ એક ઘર નું જુનું અને બંધ બારણું અને વહેલી સવાર ની ઠંડી. આ ક્ષણ મારી સ્મૃતિ માં ખુબ ઊંડી અંકાઈ ગઈ છે. મને યાદ છે, હું ચાલતો હતો અને જેવું આ બન્યું, હું ઉભો રહી ગયો. મન માં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. ખરેખર આ અનુભવ શબ્દો માં વર્ણવવો અઘરો છે.
વારાણસી માં પાંચેય દિવસ હું ચાલતો ચાલતો ફર્યો. ઘણી વાર કોઈ નિશ્ચિત જગ્યા એ જવા માટે નહિ પણ ફક્ત શહેર જોવા માટે ફર્યા કરતો. એવા માં હું કેદાર ઘાટ પહોચ્યો. આ ઘાટ પર શંકર ભગવાન નું મંદિર છે અને આ મંદિર દક્ષિણ ની શૈલી માં બનેલું છે. આ ઘાટ પર દક્ષિણ ભારતીયો ની ભીડ રહે છે. ઘાટ પર થોડી વાર આરામ કરી ને એની પાછળ ની ગલી ઓ માં રખડવા લાગ્યો. એવા માં મેં એક બોર્ડ જોયું. 'સ્વામી રામકૃષ્ણ પરમહંસ નું નિવાસ સ્થાન જયારે તે કાશી આવ્યા ઈ. સ. ૧૮..'. કોઈ ઓગણીસમી સદી ની સાલ લખેલી હતી. મને ખરેખર આશ્ચર્ય થયું, બસ આમ જ રખડતા, કાશી માં રામકૃષ્ણ જ્યાં રહેલા તે જગ્યા મળી જાય એની શક્યતા કેટલી? અંદર થી જવાબ આવ્યો.. નહિવત..
આ જગ્યા એ કોઈ ભીડ નથી. એક સામાન્ય મકાન જ છે. સારું થયું કે એના બોર્ડ પર મારી નજર પડી. હું અંદર પ્રવેશ્યો. એ જૂની શૈલી નું ઘર હતું જેમાં વચ્ચે મોટો ચોક અને ફરતે ઓરડાઓ હતા. હું જોઉં છું તો ચોક માં નખશીખ ભગવા વસ્ત્રો (ધોતી વગેરે) માં સજ્જ બ્રાહ્મણો નાં બાળકો પ્લાસ્ટિક ની દડી થી ક્રિકેટ રમે છે! એમના પરિધાન ને જોઈ ને મને એવું લાગ્યું કે આ જ દેવો છે. જાણે દેવો જ અહી ક્રિકેટ રમે છે, એ અનુભૂતિ મારી અંદર થી થઇ. પરસાળ માં લાકડા ની એક ચોરસ પાટ પર હું બેઠો અને આ સંપૂર્ણ ભારતીય પોશાક માં સજ્જ છોકરા ઓ ની રમત જોવા લાગ્યો. એમને થયું હશે આ કોણ આવી ગયું છે જેને અમારી રમત જોવા નો એટલો બધો સમય છે! એકાદ બે જણા મને જાણી જોઇને દડી મારવાનો પ્રયત્ન પણ કરતા હતા, પણ એક ટુકડી નો કેપ્ટન મને ન વાગે એનું પણ ધ્યાન રાખતો હતો.
મેં એમની ચાર પાંચ મેચો જોઈ. મજા આવી ગઈ. પછી મેં એમની સાથે વાતો કરી. આ છોકરા ઓ આજુબાજુ નાં બ્રાહ્મણો નાં છોકરા ઓ છે જે અહી ચાલતી સંસ્કૃત પાઠશાળા માં ભણે છે. મેં પૂછ્યું શું ભણો છો તો કહે 'વેદ'. અહી ધોરણ ૧,૨,૩ વગેરે પ્રથા નથી, અહી માસ્તરજી સંસ્કૃત સાહિત્ય જેમ કે વેદ, પુરાણ, રામાયણ, મહાભારત વગેરે શીખવાડે છે. મોટા ભાગ નાં બાળકો અહી ભણી ને પછી વારસાગત કર્મકાંડ નો વ્યવસાય સંભાળે છે. માસ્ટરજી નો આવવાનો સમય થયો ન હતો એટલે બધા ભેગા મળી ને ક્રિકેટ રમતા હતા. પછી જ્યાં રામકૃષ્ણ રહેલા એ ઓરડા માં હું ગયો અને તેમને વાપરેલી થોડીક વસ્તુઓ, પાદુકા વગેરે જોઈ, દર્શન કરી પાછો ફર્યો.
આ જ જગ્યા મેં ૨ વરસ પછી બીબીસી ની 'સ્ટોરી ઓફ ઇન્ડિયા' ડોક્યુમેન્ટ્રી માં જોઈ. એક જ પાટિયું, એ જ ચોક, એ જ સંસ્કૃત ભણતા બાળકો અને એમના વૈદિક મંત્રોચ્ચાર!
No comments:
Post a Comment