વારાણસી માં (ભાગ ૩)
------------------------
મણિકર્ણિકા ઘાટ ની આસપાસ ની ગલી ઓ પણ ખુબ વિખ્યાત છે. એક ગલી જેમાં થઇ ને ઘાટ ઉપર અવાય છે તેનું નામ છે બ્રહ્મનાલ. બ્રહ્મનાલ એટલે બ્રહ્મ ની સાથે જોડતી નાળ અથવા નળી. બનારસ ની કોઈ પણ ગલી ઓ માં ઠેકઠેકાણે ચા અને પાન ને નાસ્તા નાં ગલ્લા ઓ છે. ચા માટી નાં નાના કોડિયા ઓ માં પીવાય છે. ત્રણ રૂપિયા માં એક ચા મળે છે. જીવન અહી સસ્તું છે. ભૂખ લાગી હોય તો બાજુ ની કચોરી ગલી માં જઈ ને કચોરી, પૂરી ભાજી વગેરે ખાઈ શકાય છે. બનારસ માં નાની ગોળ કચોરી મળે છે. પાન નાં બનેલા પડિયા માં ત્રણ ચાર કચોરી ભાંગી ને એના પર ચણા અને વિવિધ કઠોળ નું બાફેલું મિશ્રણ રેડવામાં આવે છે. ઉપર થોડી ઘણી ચટણી વગેરે. નાસ્તા પછી જલેબી પણ ખાવાનો રીવાજ છે. અને પછી એક બનારસી પાન ખાઈ લીધું એટલે બે ત્રણ કલાક સુધી રખડવા ની મજા આવશે. આ ગલીઓ લગભગ માંડ દસ ફૂટ પહોળી હશે. આમાં આજુબાજુ આવેલા ૨-૩ માળ નાં મકાનોના કારણે ગલી માં સૂર્યપ્રકાશ ક્યારેય પડતો જ નથી હોતો. એટલે આ ગલી ઓ માં કુદરતી જ ઠંડક હોય છે. અહી સમગ્ર ભારત માં થી લોકો આવતા હોય છે તેથી, અહી કોઈ પણ પ્રદેશ ની વાનગી મળી જશે. એક જગ્યા એ મોટું દક્ષિણ ભારતીયો નું ગ્રુપ ઉભું હતું. પાસે જઈ ને જોયું તો ઢોસા, ઈડલી, ઉત્તપ્પા, સંભાર ની દુકાન.. ..વાહ વાહ મજા આવી ગઈ. બેંગ્લોર થી આટલે દૂર પણ આવા સરસ ઈડલી, ઢોસા ખાવા મળે એવી તો આશા જ ન હતી! બાજુ માં જ મોટા એક તાવડા માં મસાલેદાર દૂધ ગરમ થઇ રહ્યું હતું. આ જગ્યા કદાચ કાશી વિશ્વનાથ ગલી જ્યાં મેઈન રોડ ને મળે છે ત્યાં છે.
જો તમને ધાર્મિક કે ઐતિહાસિક વાતો માં મજા આવતી હોય તો બનારસ ની દરેક જગ્યા એ કોઈ ને કોઈ મહત્વની ઘટના બનેલી તમે જાણી શકશો. જયારે આશરે નવ સો વરસો પહેલા આદિ શંકરાચાર્ય અહી આવેલા ત્યારે મણિકર્ણિકા ઘાટ પાસે ની ગલી માં તેમને એક ચાંડાલ નો ભેટો થઇ ગયો હતો. કહેવાય છે આ ચાંડાલ ભગવાન શંકર પોતે હતા જેને શંકરાચાર્ય અસ્પૃશ્ય ગણતા હતા. શંકરાચાર્યએ ચાંડાલ ને કહ્યું 'દૂર ખસ'. ચાંડાલ કહે 'તું કોને દૂર ખસવાનું કહે છે મારા શરીર ને કે મારી અંદર નાં આત્મા ને?' આ વાક્ય સાંભળી શંકરાચાર્ય ને પોતાની ભૂલ સમજી ને બોલ્યા 'બ્રહ્મ સત્ય, જગત મિથ્યા' . કાશી નાં ચાંડાલ પણ એટલા વિદ્વાન હોય છે. ખરેખર કાશી માં સાધુ સંતો ની ભરમાર છે. બની શકે છે કેટલાય સિદ્ધયોગી ઓ આ ગલી ઓ માં વર્ષો થી ભટકી રહ્યા હોય, ક્યારે કોનો ભેટો થઇ જશે એ સમજવું મુશ્કેલ છે.
રામકૃષ્ણ પરમહંસ જયારે કાશી આવ્યા ત્યારે એક વાર હોડી પર બેસી ને મણિકર્ણિકા ઘાટ પાસે થી પસાર થઇ રહ્યા હતા. ઘાટ પર સળગતી ચિતા ઓ ને જોઇને એ ઉભા થઇ ગયા અને એકદમ ધ્યાનમગ્ન થઇ ગયા. એમના શિષ્યો એ એમને પકડી લીધા રખે ને એ ગંગા માં પડી જાય! રામકૃષ્ણ ને અહી ભગવાન શંકર પોતે મડદા નાં કાન માં તારક મંત્ર ફૂંકતા હોય એવું દર્શન થયું હતું.
મણિકર્ણિકા ઘાટ થી કચોરી ગલી માં થઇ ને વિશ્વનાથ ગલી માં જવાય છે જેમાં પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે. કદાચ સામાન્ય લોકો માટે કાશી ફક્ત આ જ્યોતિર્લિંગ થી ઓળખાય છે. અહી બહુ ભીડ હોય છે. મંદિર તેના મહિમા નાં પ્રમાણ માં ખુબ જ નાનું છે. કદાચ બારેય માં થી સૌથી નાનું જ્યોતિર્લિંગ હશે. ઔરંગઝેબે અસલ મંદિર તોડાવ્યા પછી ત્યાં મસ્જીદ બનાવી દીધી. એ હવે જ્ઞાનવપી મસ્જીદ તરીકે ઓળખાય છે. કહેવાય છે કાશી વિશ્વનાથ નાં શિવલિંગ નું રક્ષણ બ્રાહ્મણો એ વર્ષો સુધી કર્યું, પછી જયારે મરાઠા નું રાજ્ય આવ્યું ત્યારે અહિલ્યાબાઈ હોલકરે આ અત્યાર નું મંદિર બનાવડાવ્યું. કાશી માં મરાઠા શાસકો એ ઘણા ઘાટ અને મંદિરો નાં નિર્માણ અને જીર્ણોદ્ધાર કરાવ્યા છે. પંજાબ નાં મહારાજા રણજીતસિંહે વિશ્વનાથ મંદિર નાં ઘુમ્મટો ને સોના થી મઢાવડાવ્યા. કાશી વિશ્વનાથ નું શિવલિંગ મંદિર નાં કેન્દ્ર માં હોવાને બદલે ખૂણા માં છે. બની શકે કે જેનાં દર્શન માટે તમે બે કલાક લાઈન માં ઉભા રહ્યા હોય.. તેની બાજુ માંથી તમે પસાર થઇ જાઓ અને શોધતા રહી જાઓ કે શિવલિંગ ક્યાં છે?! મને ઘણી વાર એવું થાય છે...આખી જિંદગી ભગવાન ને શોધવામાં, યાદ કરવામાં ગાળી હોય છતાં ભગવાન મળતા નથી. કદાચ ભગવાન બાજુ માં રહી જાય છે. એ રીતે કાશી વિશ્વનાથ નું મંદિર ઘણું સૂચક છે.
No comments:
Post a Comment